Homeગુજરાતસુરતનોટિસ વગર મકાન કેમ તોડ્યાં જવાબ આપો...' સુરત મ્યુનિ.કોર્પોરેશનને ગુજરાત હાઈકોર્ટે ઝાટકી...

નોટિસ વગર મકાન કેમ તોડ્યાં જવાબ આપો…’ સુરત મ્યુનિ.કોર્પોરેશનને ગુજરાત હાઈકોર્ટે ઝાટકી…

Surat Municipal Corporation: સુરતના વડોદ વિસ્તારમાં સત્યનારાયણનગર ખાતે 96 ટકા અંપંગતા ધરાવતાં બાળક સહિત પરિવારજનો સાથે રહેતી એક મહિલાનું લાખો રૂપિયાનું મકાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના બારોબાર તોડી નાંખતાં મહિલાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેની સુનાવણીમાં જસ્ટિસ મોના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર, ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ વિરૂદ્ધ નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. મહિલાનો સાત વર્ષનો બાળક બોલી-ચાલી શકતો નથી કે, જાતે ખાઇ શકતો નથી, પરિવાર ઘરબાર વિના રસ્તે રઝળતો થયોસાધનાબહેન ઇશ્વરભાઇ બડગુજર દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ નિમિષ એમ.

કાપડિયાએ અદાલતનું ઘ્યાન દોરતાં જણાવ્યું હતું કે, અરજદાર વડોદ વિસ્તારમાં પોતાના પતિ અને બે નાના બાળકો સાથે રહે છે., જેમાંથી એક સાત વર્ષનું બાળક તો, ચાલી શકતો નથી, બોલી પણ શકતો નથી, જાતે ખાઇ શકતો નથી અને 96 ટકા શારીરિક અપંગતા ધરાવે છે. અરજદારે વડોદ વિસ્તારમાં ઉપરોકત સોસાયટીમાં પ્લોટ નંબર-16 અને 17 બાંધકામ સહિત ખરીદયા હતા. બાદમાં સુરત મનપાના ટેકસ બીલમાં તેમનું નામ પણ ચઢાવ્યું હતું. પાણી કનેકશનની ફી પણ ભરી હતી અને પોતે ઇલેક્ટ્રીસીટી કનેકશન પણ ધરાવતા હતા. લગભગ એક વર્ષ પહેલાં જ અરજદારે સાડા નવ લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું.

ઘરની કિંમત હાલ રૂ.30 લાખથી વઘુની થવા જાય છે. ગયા મહિને 1 ઓક્ટોબર 2024ના રોજ ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ સવારના સમયે તેમના ઘેર આવ્યા હતા અને અરજદાર તેમ જ તેમના બાળકોને ઘરમાંથી બહાર કાઢી મૂકયા હતા અને ઘરનો સામાન બહાર ફેંકી દીધો હતો. ત્યારબાદ કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના જ સીધેસીઘુ તેમના ઘર પર બુલડોઝર ચલાવી તેમનું આખુ મકાન જમીનદોસ્ત કરી નાંખ્યું હતું અને તેમને ઘરબાર વિનાના રસ્તા પર રઝળતા કરી મૂકયા હતા. અરજદાર મહિલાએ અદાલતને જણાવ્યું કે, કયા કારણસર સુરત મનપાના અધિકારીઓએ આ પ્રકારનું અમાનવીય કૃત્ય આચર્યુ તેની હજુ તેમને ખબર નથી. કારણ કે, તેમને કોઇ નોટિસ જ અપાઇ નથી કે, આ બાબતની જાણ સુદ્ધાં કરાઇ ન હતી.

અરજદારે આ સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી અને સુરત કલેકટર, સુરત મ્યુનિસિપલ કમિશનર, લોકપાલ, રાજયના ગૃહમંત્રી, રાષ્ટ્રીય મહિલા આયોગ સહિતના સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની ગુહાર પણ લગાવી હતી પરંતુ કયાંયથી ન્યાય નહી મળતાં અરજદારને હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે. રાતોરાત બુલડોઝરથી મકાનો ના તોડી શકો : સુપ્રીમનો તમામ રાજ્યોને આદેશસુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ સરકારનો ગેરકાયદે ડિમોલિશન મુદ્દે ઉધડો લીધો હતો. સાથે જ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રોડ પહોળા કરતી વખતે દબાણ હટાવવા માટેની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવાનો આદેશ આપ્યો હતો. રોડ પહોળો કરતી વખતે એક વ્યક્તિનું ઘર તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારને પીડિતને 25 લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચે ઉત્તર પ્રદેશ સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે તમે રાતોરાત બુલડોઝર લઇને પહોંચી જાવ અને કોઇની પ્રોપર્ટીને તોડી નાખો એવુ ના ચલાવી લેવાય. તમે પરિવારને ઘર ખાલી કરવાનો પણ સમય ના આપ્યો, ઘરમાં જે સામાન હતો તેનુ શુ કર્યું ? આ સમગ્ર મામલાની રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલા લેવામાં આવે. કુટુંબની માનસિક-શારીરિક હાલત બગડી ગઇસુરત મનપા સત્તાવાળાઓ દ્વારા અચાનક અને એકાએક આ પ્રકારે મકાન તોડી નંખાતા અને તેઓને ઘરબાર વિનાના કરી નંખાતા અરજદાર મહિલાના સમગ્ર કુટુંબની માનસિક અને શારીરિક હાલત બગડી ગઇ હોવાનો અને સમગ્ર પરિવાર ઉંડા આઘાતમાં ગરકાવ હોવા બાબતની હકીકત પણ હાઇકોર્ટના ઘ્યાન પર મૂકાઇ હતી.

અરજદાર મહિલા દ્વારા રિટ અરજીમાં શું દાદ મંગાઇ…અરજદાર મહિલા દ્વારા રિટમાં દાદ માંગવામાં આવી હતી કે, સુરત મનપા સત્તાવાળાઓના ખર્ચે અરજદારનું મકાન ફરી અસલ સ્થિતિમાં પૂર્વવત્‌ કરવામા આવે, ઇલેક્ટ્રીક, પાણીનું કનેકશન ફરી શરૂ કરવામાં આવે, ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પ્રકરણમાં કસૂરવાર અધિકારીઓ વિરૂઘ્ધ બે સપ્તાહમાં ખાતાકીય પગલાં લેવામાં આવે અને તેઓની વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અરજદાર મહિલાએ સુરત મનપાના કસૂરવાર અધિકારીઓ પાસેથી રૂ.45 લાખનું વળતર અપાવવા પણ અરજીમાં દાદ માંગી હતી.

RELATED ARTICLES

Most Popular